ચકલીઓનો મીઠો ચહેકાર મારી આંખ ખોલે તો!
વળી, એનો પૂરો પરિવાર મારી આંખ ખોલે તો!
પ્રભાતે આંગણે આવે વિહરવા ઢેલ સાથે મોર,
એ બન્નેનો તીણો ટહુકાર મારી આંખ ખોલે તો!
જૂની ગમતી જ યાદો ઊંઘવા ના દેય થોડુંકેય,
મધુર સ્વપ્નો તણી વણઝાર મારી આંખ ખોલે તો!
પ્રિયેના દિલથી છૂટેલ બાણ રાત આખી હૃદય વીંધે,
નશીલાં નેણની એ ધાર મારી આંખ ખોલે તો!
વધુમાં, સ્પર્શ એનો થાક ટાળે સર્વ અંગોનો,
વગર ઓસડ થતો ઉપચાર મારી આંખ ખોલે તો!
પડોશી પ્રેમથી વર્તી ઉતારે સ્વર્ગ ધરતી પર,
પરસ્પર સ્નેહનો વ્યવહાર મારી આંખ ખોલે તો!
બધા લોકો ‘ધીરજ’ ને ખંતથી સમજે બીજાંનાં મન,
જગતના ઐક્યનો વિચાર મારી આંખ ખોલે તો!
ડૉ. ધીરજ એસ. બલદાણિયા