રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.
પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.
ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?
કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.
ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?
બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.
હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.
– ‘રૂસ્વા’ મઝલુમી