રેતના ઘરમાં રહું છું, રણ નથી
આંસુમાં દેખાઉં છું, દર્પણ નથી.
તું સમયની જેમ ભૂંસાતો ગયો,
મેં તને ધાર્યો હતો એ જણ નથી.
મારા પડછાયાનું એ પ્રતિબિંબ છે
સૂર્ય જેવું આમ તો કંઈપણ નથી.
આપણામાં કૈંક તો બાકી બચ્યું,
આમ એવું કોઈપણ સગપણ નથી.
ઊજવી નાખેલ અવસરનું કોઈ
બારણા પર શોભતું તોરણ નથી.
-અંકિત ત્રિવેદી