આંખના ખૂણે ઘણી ભીનાશ છે,
સામે હસવાનો છતાં રિવાજ છે..
માનતા, બાધાય આચરવી પડી,
છે ખબર – કેવળ દવા ઈલાજ છે..
ચાહનારાં છૂટવા માંડ્યાં બધાં,
મુખ ઉપર એની જ તો ફિકાશ છે..
ભીતરે અંધારપટ વ્યાપે જ કેમ?
કાળજે બળતો રહેલ ચિરાગ છે..
તેથી તો સપડાય છે સહુ પાપમાં,
એનો આકર્ષક ઘણો લિબાસ છે..
બાવળે કાંટા જ વાગે ને ભલા!
કર્મનો તો રોકડો હિસાબ છે..
કંઈ જ ‘ધીરજ’ ના વળે શેમાંય, તો,
મંત્ર સહેલો ”ૐ નમઃ શિવાય..” છે..
~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા