રોકીએ જો આંસુ તો લોહીનું પાણી થાય પાછું.
કેમ આવું થાય? ના સમજાય અમને હાય પાછું.
બાપુજીની થઈ ઉંમર ને ભાઈ – બ્હેનો ક્યાં છે પગભર?
થઈ શકે એવું પ્રભુ ! મારું મરણ ઠેલાય પાછું?
ધોળી સાડી પહેરે છે મા, એ મને ગમતું નથી પણ
હું કશું કહી દઉં તો એને રડવું આવી જાય પાછું.
હું હસી લઉં છું કદી , એ વાત છાની રાખજો ને,
મારું ખુશ રહેવું જગતમાં સહુને ના પોસાય પાછું.
કીધું કોર્ટે એટલે આપે છે કરિયાવર પરત, પણ
માન એણે રાખ્યું નહિ તો એ બધું લેવાય પાછું??
એ કહે છે, મારે તો પરિવાર સામું જોવું પડશે,
મારે ક્યાં પરિવાર છે ? કે એ તરફ જોવાય પાછું.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’