લયબધ્ધ વિસર્જનની વ્યથા કોણ આપશે ?
સર્જનનાં નામે એવી દશા કોણ આપશે ?
ચિક્કાર બસમાં પ્હેલાં ચડી જા તું અબઘડી,
વિચારજે પછી કે જગા કોણ આપશે !
મેં શું ગોનો કર્યો છે મને કંઇ ખબર નથી,
છે એટલી ખબર કે સજા કોણ આપશે ?
કળથી તેં બારણાં તો ઉઘાડી લીધાં છે પણ,
અંદર તને જવાની રજા કોણ આપશે !
આ બોગદું કથનનું પૂરું થાય તે પછી,
મનમાં પ્રકાશવાની મજા કોણ આપશે ?
-અશરફ ડબાવાલા