લોકને તો સાવ ઝીણું , કાંતવાની ટેવ છે
વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે
સત્યતારું ધમપછાડા લાખ કરશે તેછતાં
પારકી આંખે જગતને ભાળવાની ટેવ છે
વાત દાબી રાખશો , હૈયા મહીં તોયે મને
આપની માસૂમ આંખો વાંચવાની ટેવ છે
આ જગે ઔકાતને ભૂલું નહીં તેથીજ તો
ભીંત ઉપર આયનાઓ ટાંગવાની ટેવ છે
જો પ્રભુ દઇ દે ખજાનો ,ખુશ થૈ કુબેરનો
તોય જગને સાવઓછું આંકવાની ટેવ છે
સ્વપ્ન જોવાની મને આદત પડેના એટલે
આંખમાં ઉજાગરાને , આંજવાની ટેવ છે
સાચવેલો છે હજુ , તારો ખજાનો યાદનો
ડાયરી વચ્ચે ગુલાબો, રાખવાની ટેવ છે
વેદના તું ડંખ મારી જા , મને વાંધો નથી
ઝેર રોજે રોજ અમને ચાખવાની ટેવ છે
મંદિરો ને મસ્જિદો , તમને મુબારક દોસ્તો
કરગરીને ક્યાં અમોને માંગવાની ટેવ છે
~ ગિરિધર બારોટ