વાત કોઈ પણ છુપાવી રહ્યા છે,
એટલે પાંપણ ઝુકાવી રહ્યા છે,
ઝાંઝવાના નીર છે રણમાં છતાંયે,
જિંદગી પાછળ લૂંટાવી રહ્યા છે,
વાયદો સાચો નથી કરતા છતાંયે,
હાથમાં એ જળ મુકાવી રહ્યા છે,
હાથ છોડી નાખવાના એ ખબર છે,
હાથમાં મીંઢળ બંધાવી રહ્યા છે,
તૂટશે શમણાં બધાં દેખ્યા હતા જે,
આંખમાં કાજળ લગાવી રહ્યા છે,
હિંમતસિંહ ઝાલા