શબ્દને પણ જોઇ ,વિસ્મય થાય છે,
કે, ગઝલ, તારો જ વિષય થાય છે,
કાફિયા સંગે રદીફની પાલખી,
આગમન તારું પ્રથામય થાય છે,
અવતરણ તારું થયું એ શાનથી,
ક્યાં હવે કાગળથી નિર્ણય થાય છે?
શું લખું ? ના સાથ દે શબ્દો બધા,
અક્ષરોનો તુજમાં વિલય થાય છે,
તું વિષય છો ! લાગણી છો ! બીજું કંઈ..?
તારો સાચો ક્યાં પરિચય થાય છે ?
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’