વેદ ઉપનિષદ ઋચાઓ શૂન્ય છે,
શૂન્ય લોકો, દેવતાઓ શૂન્ય છે.
આખરે સઘળી કથાઓ શૂન્ય છે,
ઊઠતા શ્રોતા, સભાઓ શૂન્ય છે.
શૂન્યતાનું છે કવચ એનાં ઉપર,
આ હવાઓ, વાયરાઓ શૂન્ય છે.
આંગળી ચીંધી બતાવું છું તને,
તે પછી આગળ દિશાઓ શૂન્ય છે.
જે લખાતું એ ભુસાતું હોય છે,
સૃષ્ટિની સઘળી કલાઓ શૂન્ય છે.
જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ ને
તે પછીની શક્યતાઓ શૂન્ય છે.
હો કયામત કે પ્રલય જેવું કશું,
બાદ સઘળી કલ્પનાઓ શૂન્ય છે.
ભરત વિંઝુડા