સરવૈયાની ઐસીતૈસી, સરવાળાની ઐસીતૈસી.
જીવની સાથે જીવી લીધું, ધબકારની ઐસીતૈસી.
જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો;
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસીતૈસી.
શ્વાસોથી ભીંજાય ચાલો ડૂબીએ ભીના સપનામાં;
હોળી લૈને ભવસાગરમાં તરનારાની ઐસીતૈસી.
ઊંડે મનમાં ઊતરી તારું રૂપ નીરખશું બંધ આંખોથી;
પગદંડીઓ, રસ્તો ને અજવાળાની ઐસીતૈસી.
પગમાં કાંટો લૈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજે;
એ જો મારી વાટ જુએ તો લવકારાની ઐસીતૈસી.
– અશરફ ડબાવાલા