ભીડ કરવામાં સહાયક જોઇએ,
કાર્યક્રમ માનવને લાયક જોઈએ.
શાયરી અખબારની ચાકર નથી,
શાયરી જેવા જ ચાહક જોઇએ.
મત્લાથી મક્તા સુધીના અંતરે,
શેર ઘડવામાં વિચારક જોઇએ.
હિંદુ:મુસ્લિમથી નહિં જીતાય દિલ,
ઈશ્કની નજરો પ્રભાવક જોઈએ.
દિલ જરા મોટા કરો એ ઠીક છે,
પણ જગા વસવાટ માફક જોઈએ.
ફિલ્મનું નિર્માણ ત્યારે થઇ શકે,
સૌપ્રથમ ફળિયામાં નાટક જોઈએ.
ઈન્તેજારીની હદો તૂટી જશે,
આપના દર્શન અચાનક જોઈએ.
ગીચતાના શહેરમાં શ્વાંસો કહે,
પ્રાંણને રહેઠાણ વ્યાપક જોઈએ.
સિદ્દીકભરૂચી