સૂક્કાં સૂક્કાં રણ આપી દે સાગર સાગર તું રાખી લે,
એક ચમકતો તારો દઇ દે વાદળ વાદળ તું રાખી લે
પત્રો મેં જે મોકલ્યાં તા’ વળતર એનું એટલું માંગુ,
શબ્દો મારા પાછા આપી કાગળ કાગળ તું રાખી લે
એક અંધારે ગાયબ થાશે એક હવામાં ઊડી જાશે,
કિરણો કિરણો હું રાખી લઉં ઝાકળ ઝાકળ તું રાખી લે
હું તો તુજ સ્મિતનો અભિલાષી આંખોમાં મુજને રસ ક્યાં!
એક નિખાલસ સ્મિત આપી દે કાજળ કાજળ તું રાખી કે
હું તો ખુશ્બો નો છું ચાહક મુજ ને થોડા ફૂલો કાફી,
તું આખું જંગલ ઝંખે છે આવળ બાવળ તું રાખી લે
એક દિવસ તો શર્તો મૂકી રાધા કે છે રૂક્ષ્મણી ને
કાનો મારો પાછો આપી શ્યામળ શ્યામળ તું રાખી કે
સૂરજ ચમકે છે એના પાછળનું કારણ જાણો છો કે?
ચાંદે સૂરજને કીધું તું ઝળહળ ઝળહળ તું રાખી લે
શ્વાસો છોડી ચાલે ત્યારે યમ જો તારી ઈચ્છા પૂછે
સ્વર્ગ અચલ ના લેતો,જગ્યા આગળ પાછળ તું રાખી લે
ધ્રુવ પટેલ (અચલ)