કામ જો કાઢી શકો તો કાઢી લો, સ્વીકાર છે,
પણ મને આજ્ઞાર્થ પર પ્રશ્નાર્થ ને ઉદગાર છે.
ઓસરીથી ઓરડો ને ઓરડેથી ઓસરી—
ને રસોડું, નાર માટે શું આ ઘર, સંસાર છે ?
વસ્ત્રની લંબાઈ સાથે માપજે મનને કદી,
છોડ મુદ્દો આ, હવે ઉપચારમાં પ્રતિકાર છે.
આમ કંઈ એ કાયમી મારા ઘરે રહેશે નહીં,
દુઃખ, ઉદાસી, મૌન ને એકાંતને ઘરબાર છે.
હાથ જોડો તો જમાનો હાથ કાપી નાખશે,
માનવી કહેવાય એવા માનવી દસ-બાર છે.
વાત આ આજેય અડકી ના શકી જો આપને,
વાત ભારે છે, ઉપરથી નામનો પણ ભાર છે.
ને ઘડી ભર ઊંઘ ક્યાંથી આવે તું કે’જે મને,
છે વિચારોની આ દુનિયા ને કને ગુલઝાર છે.