આ અહમ્ને છેદવાનું મન થયું, તોયે ઘણું,
‘હું’પણાને કદ પ્રમાણે વેતરું, તોયે ઘણું.
ભૂત ને ભાવિનાં પડ જેને નિરંતર પીસતાં,
આજનું આ સ્વપ્ન કોરાણે કરું, તોયે ઘણું.
હું મને જોઇ શકું પુરેપુરી દર્પણ વિના,
જાતથી બસ દૂર એવી જઇ શકું, તોયે ઘણું.
એટલી સક્ષમ નથી કે બાથમાં દરિયો ભરું,
બુંદ બે વરસાદની ઝીલી શકું, તોયે ઘણું.
સંગ્રહું કંઇ પણ નહીં સ્વાગત છતાં સૌનું કરું,
આરસી જેવું જીવન જીવી શકું, તોયે ઘણું.
– નેહા પુરોહિત