પ્રિય, હ્ર્દય ની એ પીડ, હું જાણું ને તું જાણે !
સર્જાયો તો શૂન્યાવકાશ, હું જાણું ને તું જાણે !
એકજ ઓરડામાં બેઠા હતા, અવળા ફરીને,
કેટલો લાંબો કારાવાસ, હું જાણું ને તું જાણે.
લોકો કહે, સફર જિંદગી ની કેવી હતી,રંગીન ?
કેમ ટુંકાવ્યો હતો પ્રવાસ, હું જાણું ને તું જાણે.
હોડ લાગી હતી,આપણી વચ્ચે, જીવન મરણની !
કોને કેટલા લૂંટ્યા છે શ્વાસ, હું જાણું ને તું જાણે.
પત્થર સમ પડ્યા રહેતાતા, એક આંગણામાં !
કોની જીવતી હતી લાશ, હું જાણું ને તું જાણે.
જખ્મો તો કદાચ રૂઝાઈ જશે,સમય જતાં જતાં,
કેવી ખટકતી રહેશે ફાંસ, હું જાણું ને તું જાણે.
દર્પણની તિરાડો,પણ ચીસો પાડી ને કહે છે !!
એ અંતિમ હતો પ્રયાસ ,હું જાણું ને તું જાણે.
શીતલ ચાંદની રાતમાં, ગુંજતો મધુર સંવાદ,
મિત્ર, કેમ હતા ઉદાસ ,હું જાણું ને તું જાણે.
વિનોદ સોલંકી ‘મિત્ર’