ચાલો છોરાં ગાવો સાથે ‘હું પણ જીવું તું પણ જીવે ;
હૈયાના સદ઼ભાવો સાથે હું પણ જીવું તું પણ જીવે !
ગઝલો હઝલો ગીતો બીતો થાપણમાં બસ આવું ભાયા
શબ્દોના સરપાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
બોલી નાખો એની સામે વાંધો ક્યાં છે , પણ પાછળના
અફળાતા પડઘાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
અર્થોના અજવાળા નેવે મેલી ફૂંકાતા શબ્દોથી
વાતોના પથરાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
સીધા સાદા રસ્તા કાયમ હોયે ના જીવનમાં ‘સાલસ’
થોડી ઝાઝી રાવો સાથે હું પણ જીવું તું પણ જીવે…!!
– ‘સલીમ’ શૈખ સાલસ
અવઢવ ને આઘાતો સાથે હું પણ જીવું,તું પણ જીવે !
અઘરા આ પડકારો સાથે હું પણ જીવું, તું પણ જીવે !
જાણ નથી એવું પણ ક્યાં છે,વાંધા-વચકા તો પણ ક્યાં છે ?
ચહેરા પર ચહેરાઓ સાથે હું પણ જીવું,તું પણ જીવે !
આમ થતે તો આમ જીવાતે, તેમ થતે તો કેવું કેવું,
બસ એવી ચર્ચાઓ સાથે હું પણ જીવું,તું પણ જીવે !
સાચ્ચે સાચી વાત કહી દઉં એવું પૂછી ઉત્તર આપે,
દાટેલા શમણાંઓ સાથે હું પણ જીવું,તું પણ જીવે !
અંતર વધતું ચાલે એની હોય સજા શું તું પણ જાણે,
ટળવળતા પડઘાઓ સાથે હું પણ જીવું,તું પણ જીવે !
– જિ.ફ.