હૂંફ પ્રિયજનની મળે, તો તાપવું શું?
જાત સોંપ્યા બાદ બીજું આપવું શું?
છે ગણતરી વાજબી વ્યવહારમાં, પણ,
પ્રેમમાં દીધાં-લીધાંનું માપવું શું?
થાય કે અખબારમાં ગઝલો છપાવું,
એય સૌના હોઠ પર છે, છાપવું શું?
આગ ઝરતી જીભ જે પરિવારમાં હોય,
ત્યાં ગરમ ઉંબાડિયું પણ ચાંપવું શું?
હમસફર જો હોય સાથે, ચાલીએ, પણ,
એકલાં ડગલુંય અંતર કાપવું શું?
થાય કે, દુનિયા કરી લઉં મુઠ્ઠીમાં, પણ,
બિનજરૂરી વિશ્વભરમાં વ્યાપવું શું?
હિમશીલાઓ છે હિમાલયમાં, ‘ધીરજ’ જો,
ત્યાં બરફનું કારખાનું સ્થાપવું શું?
ડૉ. ધીરજ એસ. બલદાણિયા