હોય તકદીરમાં બાપડા થઈ જવું
તો નજરમાં રહી લાપતા થઈ જવું
એક આ ગુણ ઉપર બસ ટકી છે નદી
કેટલું ક્યારે ક્યાં સાંકડા થઈ જવું
કોઈ વીંટી કરે કાનભંભેરણી
આંગળીનું પછી પારકા થઈ જવું
ક્યાંક એવી દિશા,ભૂમિ, ને સ્થળ હશે
જે તરફ તાકવું, જાતરા થઈ જવું
થાય ઘોંઘાટ માથા પછાડયાનો પણ
ક્યાંક બબડાટનું પ્રાર્થના થઈ જવું
આપણી ટેવ દુર્ભાગ્ય છે ઊંઘનું
હર પળે હર જગા સાબદા થઈ જવું
થાય છે એય નક્કી કરીને હવે
બોલતા બોલતા ગળગળા થઈ જવું
– ભાવેશ ભટ્ટ