આગ, જળ, ધૂળ ને હવા સાથે;
ના કરો ખેલ આપદા સાથે.
કર્મ ને ધર્મનું તો એવું છે;
આપણી વાત આપણા સાથે.
ફાયદો કોઈ રીતે ના પ્હોંચ્યો;
દોસ્તી છે તો ભલભલા સાથે.
ચાહે ગમતી હો,ચાહે અણગમતી;
જીવવું પડશે ગ્રહદશા સાથે.
ત્યાં ખુદા પણ કશું કરી ન શકે;
દુશ્મની જો હો નાખુદા સાથે.
મુંઝવણમાં તબીબ તો નક્કી;
રોગ આવ્યા છે દોડતા સાથે.
સત્યના કારણે કહી ન શકું;
તીવ્ર મતભેદ છે કેટલા સાથે.
મન ન માને છતાં તમે “નાશાદ”;
ભીડમાં રહેજો આસ્થા સાથે.
ગુલામ અબ્બાસ ‘નાશાદ’