છે સલામત જે બધા ભાગી ગયા,
આગ ઓલવવા ગયા દાઝી ગયા.
આંખ રાબેતા મુજબ મીંચાઈ પણ,
સ્વપ્ન બળવાખોર થઈ આવી ગયાં.
એક પલ્લામાં જરા ઈચ્છા મૂકી,
સામા પલ્લે કાટલા થાકી ગયા.
ખાલી ખિસ્સાં હોત તો વાંધો ન’તો,
આ તો પગનાં તળિયાં પણ ફાટી ગયાં.
માંડ ચાદર પગ સુધી પહોંચી હતી,
ત્યાં જ સહુ ભેગા થયા કાઢી ગયા.
– કુણાલ શાહ.