ના બનેલી એક ઘટનાનો અચાનક અંત આવે,
સૂર્ય ડૂબ્યો, કોઈ પડછાયાની તો યે ગંધ આવે.
માર્ગ લંબાતો ગયો ને જાય વધતી આ તરસ પણ,
આ સફરમાં માત્ર રણ આવે ને રણમાં ઊંટ આવે.
દોરડે બંધાય મુશ્કેટાટ સઘળી ભીની ઇચ્છા,
દોડવા માટે ચરણને ક્યાં દિશા કે પંથ આવે ?
રાતભર કાતિલ પ્રતીક્ષા બાદ ખોલું દ્વાર ત્યારે,
આભમાંથી તૂટી જઈને રિક્ત ઘરમાં ચંદ્ર આવે.
આટલામાં ક્યાંક ખોવાઈ ગયું હોવાપણું લ્યો,
શોધવા એને નયન આવે પરંતુ અંધ આવે.
હાથમાં તલવાર ખુલ્લી રાખીને તાક્યા કરે કૈં,
કાળી રાતો લઈ અજંપો શ્વેત – ઢગલેબંધ આવે.
જિંદગી ખુદ સાવ કોરો એક કાગળ હોય જાણે,
એની પર બે અક્ષરોનો કોણ લઈ આનંદ આવે ?
– ડૉ. દિલીપ મોદી