ફરક પડતો નથી કોઈ જખમ બેચારથી સાહેબ,
બધાએ ઘાવ માર્યા છે મને બઉ પ્યારથી સાહેબ.
કોઈ મીઠું જરા બોલે તરત વેચાઈ જાઉં છું,
છતા લોકો દુઃખી છે આપણા વેપારથી સાહેબ.
હવે ક્યારેય પણ કોઈની હું પરવા નથી કરતો,
હવે તકલીફ પણ કોઈ નથી સંસારથી સાહેબ.
મને તલવારની આ ધાર પર શંકા પડે કાયમ,
ઘવાયો છું સદા હું સોયના એક વારથી સાહેબ.
ફરી તૈયાર છું પાછો નવા ઘાવો સહેવાને,
હૃદયમાં કોઈ ઉતર્યું છે નયનના દ્વારથી સાહેબ.
જયેશકુમાર પ્રજાપતિ