ઘણા ઓછા સંબંધો છે, હવે એ જાળવી રાખો;
ઘણા ઓછા ઉમંગો છે, હવે એ જાળવી રાખો.
તમે રાખી શકો જેના ઉપર વિશ્વાસ જીવનમાં;
ઘણા ઓછા પ્રબંધો છે, હવે એ જાળવી રાખો.
તમે જ્યાં શ્વાસ તાજો લઈ શકો એકાદ લાંબો એ;
ઘણા ઓછા અરણ્યો છે, હવે એ જાળવી રાખો.
કહે છે પ્રેમથી જે હાથ રાખીને ખભા ઉપર;
ઘણા ઓછા નિબંધો છે, હવે એ જાળવી રાખો.
રહી ટટ્ટાર જે પોતે ગગન પડવા નથી દેતા;
ઘણા ઓછા એ સ્તંભો છે, હવે એ જાળવી રાખો.
રહે છે જે છલોછલ, ને તરસ પૂરી છિપાવે છે;
ઘણા ઓછા જ બંધો છે, હવે એ જાળવી રાખો.
બને છે રોજ, ને પાછા, હસાવી જે શકે તમને;
ઘણા ઓછા પ્રસંગો છે, હવે એ જાળવી રાખો.
અને જે આવતા સાથે જ ઈચ્છા થાય વળવાની;
ઘણા ઓછા વળાંકો છે, હવે એ જાળવી રાખો.
રહે છે યાદ જે કાયમ જીવનની ભાગવતમાંથી;
ઘણા ઓછા જ સ્કંધો છે, હવે એ જાળવી રાખો.
ડૉ. મુકેશ જોષી