ઘર તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક,
તોય આશરાના આપણે ફાંફાં હતા અનેક.
એકાદ ડગની દૂરી પણ કાપી શકાઈ નૈં,
એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક.
વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દ્રશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
ખીલાઓ ખૂબ માર્યા છે એ સ્પષ્ટ થાય છે
સંબંધની દીવાલમાં ખાડા હતા અનેક.
આ જિંદગી વિશે જરા પૂછ્યું ’તું મેં મને જ,
થોડુંક સમર્થન હતું, વાંધા હતા અનેક.
ખોલીને એની કેદથી આવી શક્યો ન બ્હાર
સ્મરણોની બંધ શીશીને આંટા હતા અનેક.
બીમાર આંખને ગણી કરતા રહ્યા ઇલાજ,
જોયું નહીં કે સપનાંઓ માંદાં હતાં અનેક.
મૃત્યુ સિવાય શ્વાસ લાંગરી શકાયા નહીં,
જીવનની આ નદીને તો કાંઠા હતા અનેક.
એક દોરડે કૂવાની ડોલને મદદ કરી,
તેથી કૂવાના પથ્થરે આંકા હતા અનેક.
ચોર્યાસી લાખ બાદ પણ નિશ્ચિત ન’તું કશુંય,
જન્મોની એક ગલી હતી, ટાંપા હતા અનેક.
~ અનિલ ચાવડા