જેટલા મચ્છર આ કમરામાં હશે
એટલા ઇશ્વર આ કમરામાં હશે !
તોડવી ચારે ય દીવાલો પડે
કેટલા પથ્થર આ કમરામાં હશે !
મેં તમોને બહાર પણ જોયાં હતાં
કોણ તો અંદર આ કમરામાં હશે !
પ્રશ્ન પારાવાર છે થોભો જરા
એક બે ઉત્તર આ કમરામાં હશે !
હોય છે જેઓ અમર તે અહીં નથી
જે હશે નશ્વર આ કમરામાં હશે !
એક કમરામાં જ આખું વિશ્વ છે
ક્યાંક મારું ઘર આ કમરામાં હશે !
– ભરત વિંઝુડા