ઝાંઝવા ભીનાં થયાનું છે આ કરતબ !
સ્પર્શથી લીલાં થયાનું છે આ કરતબ ?
ડાળ ભારણથી ઝૂકી આ ભરવસંતે
પાંદડાં પીળાં થયાનું છે આ કરતબ ?
આંખમાં કસ્તર પડ્યું છે એક ઘમંડી,
અક્ષરો ઝીણાં થયાનું છે આ કરતબ !
સ્મિત ચ્હેરા પર સદા ખીલી ઉઠે છે
દર્દ સૌ રીઢાં થયાનું છે આ કરતબ !
પ્રાણનો પ્યાલો સતત માંગે છે વખ જો,
પ્રેમમાં મીરાં થયાનું છે આ કરતબ ?
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’