ગઝલ
ખીંટીઓ વિશ્વાસની ખોડાઈ છે,
એની પર શંકાઓ લટકાવાઈ છે!
એક તો રસ્તા જ છે વાંકાચૂકા,
ને વળી પગની અવળચંડાઈ છે!
આંખ તો સઘળું જુએ છે બાપડી,
માત્ર જોવાની રુચિ મીંચાઈ છે.
ના કર્યો માળો છબી પર ચકલીએ,
ગામમાં મારી છબી ખરડાઈ છે!
હું સમયસર થઈ શક્યો નહિ વાંસળી,
તેથી એના આંગણે શરણાઈ છે.
જેટલા પ્યાલા અધૂરા રહી ગયા,
એટલાઓની તરસ છલકાઈ છે.
હું સતત કઠણાઈમાં પણ ખુશ રહ્યો,
તો હવે, કઠણાઈને કઠણાઈ છે.
– અનિલ ચાવડા