દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી ન ગગન સુધી નહિ ઉન્નતિ ન પતન સુધી,
ફકત આપણે તો જવું હતું હર એક મેકના મન સુધી.
તમે રાંકના છો રતન સમા ન મળો હે આંસુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીના ચીર સમ અમે રંક નારની ચુંદડી,
તમે તન પર રહો ઘડી બેઘડી અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’ તો ખૂદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ જ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી.
ગની દહીંવાલા