બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી,
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી.
જાય છે રોજ્જે ઘણા સાગર સુધી,
કેટલા કિન્તુ ગયા અંદર સુધી?
મૌન સામે ના ટકી આખર સુધી,
અફવા તો પહોંચી હતી ઘરઘર સુધી.
વેલ પર જીવન હતું આખર સુધી,
તું ચૂંટીને લઈ ગયો અત્તર સુધી.
તું ફક્ત પથ્થરમાં જા અંદર સુધી,
શિલ્પ જાતે આવશે બાહર સુધી.
‘તું જ કર’થી ‘તું કશું ના કર’ સુધી,
પ્રેમ નક્કરથી ગયો જર્જર સુધી.
તે પછી રસ્તો ખૂલ્યો નટવર સુધી,
મીરાં પહેલાં પહોંચેલી ભીતર સુધી.
– પ્રમોદ અહિરે