સૌ પ્રવાસીઓને એની જાણ છે;
આપણે બેઠા એ ખોટું વ્હાણ છે!
કોઈ તલસે શ્વાસ ચાલુ રાખવા,
કોઈને ચાલે છે એ મોકાણ છે!
આ જનમમાં પણ બન્યો હું માછલી,
આ જનમમાં પણ નસીબે બાણ છે.
એમ માની ભૂસકો માર્યો હતો,
તારી અંદર પૂરતું ઊંડાણ છે.
ખાંડના કણ જેટલું સુખ પામવા,
કીડીઓમાં જબરી તાણમતાણ છે!
એની પર મતભેદની ઉલ્કા પડી,
તેથી એ સંબંધ કચ્ચરઘાણ છે.
છે અજાણ્યો ચંદ્ર તારા ભાલ પર,
મારી આંખે ભરતીના એંધાણ છે.
– અનિલ ચાવડા