થાય છે સઘળું અમારા નામથી,
ને અમે બેઠા છીએ આરામથી.
મેં પરોવી આંખ તારી આંખમાં,
જામ ટકરાઇ રહ્યા જામથી.
બસ વિચારો એટલું કે એ થયું ?
આપણે આવ્યા હતાં જે કામથી !
લાગે છે ઇશ્વરમાં મન લાગ્યું નહીં,
થાકીને આવ્યાં છો તીરથધામથી !
આયખું એમાં જ પૂરું થઇ ગયું,
ખાસ બનવાનું હતું બસ આમથી.
જોઉં કોઇ ઓળખીતું છે કે નહિ,
એક બસ આવી છે મારા ગામથી.
– કિરણસિંહ ચૌહાણ