થોડી દુવા થોડી દવા વચ્ચે રહ્યાં,
કાયમ અમે શ્રીને સવા વચ્ચે રહ્યાં.
કો’ ચીતરી ગ્યું હસ્તરેખામાં તમસ,
બસ આથમીને ઉગવા વચ્ચે રહ્યાં.
તારી નજરનાં કોલ જોઈ રાતભર,
શમણાં સુવાને જાગવા વચ્ચે રહ્યાં.
દમયંતિના કર જેવું પામ્યા વર અમે,
કે આપવા ને માગવા વચ્ચે રહ્યાં.
ના ભેદ સમજ્યાં ચાહનો સાચો તેથી,
અડવાં અને બસ સ્પર્શવા વચ્ચે રહ્યાં.
પંખી અમે રણની તરસ કેરા સદા,
ઝાકળ અને આ ઝાંઝવા વચ્ચે રહ્યાં.
ઈઝહાર ના એ કરી શક્યા, ના મેં કર્યો,
ગમવા અને બસ ચાહવા વચ્ચે રહ્યાં.
દોડાવતું સુખ ઝાંઝવા થૈ એટલું કે,
મરવા અને બસ જીવવા વચ્ચે રહ્યાં…
શૈલેષ પંડ્યા – નિશેષ