થોડો નશામાં છું અને થોડો સભાન છું ,
જે બોલું છું સાચું જ છે પાક્કી જબાન છું.
ભૂકંપ જેવો આંચકો ના આપતા કદી,
હું કૈંક વર્ષોથી ટકી રહેલું મકાન છું.
સૌ પોતપોતાની ઉદાસી ઓંકી ને ગયા,
હું શહેર વચ્ચે દારૂની સસ્તી દુકાન છું.
બે આંખથી જોઈ તમે અનુમાન ના કરો,
હું આઈનાની બ્હાર છે એ આસમાન છું.
ડસ્ટર હરીફો હાથમાં લઈ ને ભલે ફરે,
ભૂંસી શકે શું!! હું વિધાતાનું વિધાન છું.
ઊઠી ન શકવામાંય છે આનંદ કંઈ જુદો,
મંઝિલ મળ્યાં ની બાદ આવે એ થકાન છું.
મારી દિશા બદલાવવી સહેલી નથી પવન,
‘સાગર’ હું પોતે નાવ ,નાવિક ને સુકાન છું.
રાકેશ સગર