તું પામી શકે તો પડળમાં હશે
પદારથ બધાં આ ભૂતળમાં હશે
બધી આંખો સરવર સમી હોય,પણ
વધુ – ઓછું ઊંડાણ જળમાં હશે
હરણ જેમ આવે નહીં હાથમાં
સ્મરણ પણ કદી એવાં છળમાં હશે
કોઈ એકબીજાને મળતાં નથી
બધાં પોતપોતાના બળમાં હશે !
લિસોટા હશે તો ભુંસાશે કદી
સદીના ઉઝરડાઓ પળમાં હશે !
ભ્રમર રાતભર બહાર નીકળ્યો નહીં
કઈ શાંતિ એવી કમળમાં હશે ?
હજી એવું લાગ્યાં કરે છે સતત
તું વાતાવરણમાં કે સ્થળમાં હશે !
ભરત ભટ્ટ