એમ પટારો કેમ કરીને ખોલું!
તાળા માર્યા છે ખંભાતી હાથ નથી કૈં કૂંચી કે કૈં બોલું! ..એમ પટારો….
સાવ સામે બેઠા છો પણ નહીં ઇંગિત કે અણસારો
માથે મારે બાવળિયાના બળતણનો છે ભારો
પળભરમાં છોડીને જાવો જનમોનો સથવારો
કહો તમે હું આંખો ડરતી કેમ કરીને ખોલું?….
ભીતરના ભમરાળા ધેરા અંધારા ડરાવે
સપનાની ધેનુઓ મારા અલખધણી ચરાવે
ડુંગર ટોચે બેસી ઘેનિલ વાંસળિયું બજાવે
બેડી મારી ઠૂંઠા હાથે કેમ કરીને તોડું?
તળિયે ઊંડે ધરબેલા આ મૌન ક્યાં હડસેલું?
એમ પટારો કેમ કરીને ખોલું?!
— ‘બેહદ’ લુંઘીયાવી