એ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે,
એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે,
એ જ કુરુક્ષેત્રે દુર્યોધન ને એજ અર્જુન નું બાણ છે,
રૂપ એના અનેક , એને જાણીને પણ સૌ અજાણ છે.
એ પૂતનાનો નો કાળ છે ને માખણ ચોરતો બાળ છે,
મોહ માયા બધી એને ચરણે એ પોતે જ માયાજાળ છે,
એ યોગેશ્વર જગતપિતા ને ક્યારેક કોઈનો સંતાન છે,
રૂપ એના અનેક, એને જાણીને પણ સૌ અજાણ છે.
એજ રાધાનો વિરહ ને એજ રૂક્ષ્મણી નો સંગમ છે,
એ વૃંદાવનની વિદાય છે ને એજ ગીતાનું આગમ છે,
એજ ભીષ્મની બાણશૈયા ને અભિમન્યુનું વ્યૂહ ભંગાણ છે,
રૂપ એના અનેક , એને જાણીને પણ સૌ અજાણ છે.
એજ ધર્મ નો ઉદ્દભવ છે ને એજ અધર્મનો નાશ છે,
એજ ફૂલો પર નવી કુંપણ ને એજ અટકતો શ્વાસ છે,
એજ દ્રૌપદી વસ્ત્રાહરણ ને એજ નારી નું સન્માન છે.
રૂપ એના અનેક , એને જાણીને પણ સૌ અજાણ છે.
એ લોહી ઊછળતું યુદ્ધ ને એજ શાંતિ નો પ્રસ્તાવ છે,
એ ધગધગતો સૂરજ ને એ વૃક્ષો ની શીતળ છાવ છે,
એજ કર્મનું ફળ છે પોતે ને એજ જીવન બંધાણ છે.
રૂપ એના અનેક , એને જાણીને પણ સૌ અજાણ છે.
બધી સફળતા એજ ને એ પોતે જ બધીયે હાર છે,
એ વાંસળી નો મીઠો સૂર ને એ તલવાર ની ધાર છે,
એજ મોજીલો સમદર છે ને એજ નૌકા વહાણ છે,
રૂપ એના અનેક , એને જાણીને પણ સૌ અજાણ છે.
સો કૌરવ પણ એજ ને એ પોતે જ પાંડવ પાંચ છે,
એ મહાન કર્ણ નું દાન ને એજ ઇન્દ્ર ની યાચ છે,
એજ છે સર્વત્ર ને એજ મંદિર માં પૂજાતો પાષાણ છે,
રૂપ એના અનેક , એને જાણીને પણ સૌ અજાણ છે.
એ સોય ની અણી સમો ને એજ આખું મહાભારત છે,
એજ આરંભ નો અર્થ છે ને એજ સર્વ નો અંત છે,
એજ અચલ તારી કલમ ને એજ શબ્દો ની ખાણ છે,
રૂપ એના અનેક , એને જાણીને પણ સૌ અજાણ છે.
ધ્રુવ પટેલ “અચલ”