તું ભરતી ને હું ઓટ
મને ગમે ભીતર વળવું તું બહાર મુકે છે દોટ
આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય
તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ
.. તું ભરતી ને હું ઓટ
શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર
મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ …
..તું ભરતી ને હું ઓટ
-મુકેશ જોશી