બાર બાય બાર જેવી બાથરૂમો હોય
ને પચ્ચી બાય ચોવીના ઓરડા
એવી મોટી મહેલાતુંને ટક્કર મારે
તે મારા ચાર પાંચ નળિયાના ખોરડાં…..
ખોરડાંને આડ નહીં, ફરતે દિવાલ નહીં
નજરૂંની આડે નહીં જાળીયું
તક્તીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં
ચોપ્પન દિશામાં એની બારીયું
બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ
છોકરાએ ટાંગેલા દોરડા……..
ઘરમાં બેસું ને તોય સૂરજની શાખ દઇ
ચાંદરણા તાળી લઇ જાય છે..
કેમનું જીવાય, કેવી રીતે મરાય
એવી વાયરાઓ વાતો કહી જાય છે..
એકવાર ફફડે છે હોઠ અને
ગહેકે છે
ભીંતે ચીતરેલ બધા મોરલા..
– ધ્રુવ ભટ્ટ