વાર્ત્તા કહેતી હતી હમણાં જ,મા તું ક્યાં ગઈ?
કાલ સુધી તો હતી ને આજ, મા તું ક્યાં ગઈ?
દિ’ ઊગ્યા ભેળું હવે મોસૂઝણુ થાતું નથી,
રાત ને દિ’ લાગતા સરખા જ, મા તું ક્યાં ગઈ?
પાણીયારૂ,તુલસીક્યારો,રસોડું,હીંચકો
લાગલું રેઢું મુકીને રાજ, મા તું ક્યાં ગઈ?
ખોરડું એકે દિલાસાનુ નથી અકબંધ મા!
ગામ આખું થઈ ગયું તારાજ, મા તું ક્યાં ગઈ?
મીઠડાં હાલા સુણી આંખો મીઁચી એવે સમે
હાથમાંથી આંગળી સરતાં જ, મા તું ક્યાં ગઈ?
હર્ષા.દવે.