આમ જ વેરાઈ જાય કાંકરા,
સત્તાના મદમાં જો મર્યાદા ચૂકો તો થાવું પડે પ્રજાએ આકરા;
આમ જ વેરાઈ જાય કાંકરા.
ખુરશી તો ખુરશી છે, એમાં બેઠા એથી ફાવે તે કરવાની છૂટ?
ચૂંટીને જેણે આ સ્થાને બેસાડ્યા’તા, એને કહી દેવાનું ‘ફૂટ’!!
“ગઢ છે સલામત”ની બાંગો શું પોકારો? જુઓ ખરી ગ્યા છે કાંગરા!
આમ જ વેરાઈ જાય કાંકરા.
જીત્યા કે હાર્યા હો, છે આ શિખામણ તો સઘળાને કામ લાગે એવી,
માથે બેસાડીને પૂજે જે આપણને, હાથતાળી એને ના દેવી;
ખભો થાબડનારા ખીજે ભરાય ત્યારે હાડકાં કરી નાખે પાંસરા;
આમ જ વેરાઈ જાય કાંકરા.
સત્તાના મદમાં જો મર્યાદા ચૂકો તો થાવું પડે પ્રજાએ આકરા;
આમ જ વેરાઈ જાય કાંકરા.
~ હિમલ પંડ્યા