એમ પંખીને બચાવે, વૃક્ષ બીજું શું કરે?
એ પતંગોને ફસાવે, વૃક્ષ બીજું શું કરે?
જો પવન પૂછે કે તારે ઊડવું છે સાથમાં?
ફક્ત ડાળીઓ હલાવે, વૃક્ષ બીજું શું કરે?
છાંયડો દેતી ધરાશાયી થયેલી વૃક્ષતા;
બાંકડો થઈ ને બચાવે, વૃક્ષ બીજું શું કરે?
વ્યક્ત કરવા ભાવ, એ કાગળ બને કે ના બને;
પાનમાં રંગો પૂરાવે, વૃક્ષ બીજું શું કરે?
કોકિલોના કંઠમાં રેડી સુગંધી તાજગી;
સૂર વાસંતી સુણાવે, વૃક્ષ બીજું શું કરે?
કોક એને એમ પૂછે જિંદગીનો અર્થ શું?
તો નવી કૂંપળ બતાવે, વૃક્ષ બીજું શું કરે?
શ્યામલ મુનશી.