ગોકુળ મૂકીને કદી જાજે ના શ્યામ
ગોકુળ મૂકીને કદી જાજે ના શ્યામ તને જશોદાના માખણના સમ.
રૂદિયામાં થઈને તું બેઠો છે પ્રાણ દૂર થાશે તો જીવનના રહેશે;
તારા વિનાની આ ધેનુ મને તો રોજ આવીને ઠપકાઓ દેશે.
વૃંદાવન આખામાં તારા વિના નહીં ઉજવાસે રાસલીલા મૌસમ.
તું છે તો ગોકુળ છે દરિયો અમાપ, અને તું જો નથી તો છે રણ;
વાંસળીના સૂર તારા વાગશે નહીં તો પછી જીવવાનું રહેશે ના કારણ!
જમનાના વ્હેણ પછી થંભી જવાના કશો રહેશે ના એનામાં દમ!
ગોકુળ મૂકીને કદી જાજે ના શ્યામ તને જશોદાના માખણના સમ.
રવિ કે. દવે ‘પ્રત્યક્ષ’