તમે હાલરડું ઇંગ્લિશમાં ગાવ છો?!
પરીઓને દેશ જવા નીકળેલી પેઢીને,
બાર્બીની ક્લબમાં લઇ જાવ છો?!
મમ્મીનુ મૉમ કર્યુ,પપ્પાનુ પોપ્સ,
ભાઈભાંડુ સિબલીઁગમાં ખોવાયા;
ફૂલોને અડકયા તો નાજુક’શા હાથ,
નરી મેનર્સના બહાને ધોવાયા,
દાદાને ગ્રાન્ડપા કહેવાનું શીખવીને,
મનમાં ને મનમાં હરખાવ છો?!
તમે હાલરડું ઇંગ્લિશમાં ગાવ છો?!
એવું કંઈ હોય તમે સપનાને ઇંગ્લિશમાં,
જોયું હો તો જ પડે સાચું!
મારી માતૃભાષા મીઠો હોકારો દે;
જ્યારે હું સપનાને વાંચું.
વરસે વરસાદ છતાં રેઇનકોટ પહેરીને,
ઇંગ્રેજી ઇંગ્રેજી ન્હાવ છો?!
હર્ષા દવે