નાની નાની બાબતોમાં પણ રડનારી,
છતાં હિંમતથી દરેક મુસીબતો સામે લડનારી,
સરળતાની મૂર્તિ છે તું, છતાં..
હે નારી! તું ક્યાં કોઈને સમજાણી
બની ને લાડકી પિતાની, તોફાનો પણ કરતી,
પછી કોઈની વહુ બની, કેવી ગંભીરતા તું ધરતી,
લગ્નની એક રસમમાં તું કેટલી બદલાણી,
હે નારી !! તું ક્યાં કોઈને સમજાણી?
ક્યારેક દુઃખ અપાર હોય છતાં તારું મુખ હસતું,
ને ક્યારેક નાની બાબતમાં પણ આંખે આંસુ પડતું,
સહનશક્તિ તારી ક્યાં કોઈને દેખાણી ?
હે નારી !! તું ક્યાં કોઈને સમજાણી ?
મા રૂપે ક્યારેક તારા બાળકને તું મારે છે,
પછી ખુદ રડી તું એને શાંત પાડે છે,
સ્વર્ગની બધી સમૃદ્ધિ જનનીના પાલવમાં સમાણી,
હે નારી !! તું ક્યાં કોઈને સમજાણી ?
બહેન રૂપે તું ભાઈના બધા દુઃખણાં હરતી,
તારા પ્રેમની રાખડી ભાઈ ની હરપળ રક્ષા કરતી,
પોતે જ રિસાઈને પછી સામેથી ભાઈને મનાવનારી,
હે નારી !!! તું ક્યાં કોઈને સમજાણી ?
બનીને પ્રેયસી,પ્રિયતમને પૂર્ણ તું કરતી,
પછી બનીને પત્ની, પતિ સાથે ડગ ભરતી,
કોઈપણ સમયે સાથીદાર ની હિંમત બનનારી,
હે નારી ! તું ક્યાં કોઈને સમજાણી ?
કહું હું પણ શું? મને પણ તું ક્યાં સમજાય છે ?
કહેવું છે ઘણું પણ શબ્દ ક્યાં લખાઈ છે ?
મર્યાદિત છે શબ્દો, અમર્યાદ તારી કહાણી,
હે નારી !! તું ક્યાં કોઈને સમજાણી ?