જ્યારથી પૂતળું બનાવી ચોકમાં ઊભો કર્યો;
ત્યારથી લાગ્યાં કરે કે શોખમાં ઊભો કર્યો;
નોટ પર છાપ્યો ભલે તો પણ કશું બોલ્યો નહીં–
શ્યામ નાણાંમાં સમાવી લોભમાં ઊભો કર્યો??
———–
આજે હજુય મૂલ્ય છે ગાંધીવિચારનું;
સમસ્ત પૃથ્વીપટ પરે વ્હેલી સવારનું;
શાને સમજ છે સાંકડી સમજી શક્યાં નહીં–
ઊંચકી નહીં શકો વજન વધતાં આ ભારનું !
————–
લાકડી સાહી છતાં એ મારતો નથી;
અર્થ એનો એ નથી ઠપકારતો નથી;
જાતનું વસ્તર ફગાવે એમ ફેંકશે–
કેમ માનો છો હજું કે વારતો નથી ?!
—————
શ્રેષ્ઠ જળની શોધમાં એ ઝેરને પીતો રહ્યો;
આપણામાંનાં બધાયે વેરને પીતો રહ્યો;
આજિવન સુકરાતે ક્યારે ઝેરને પીધું હતુ?
આજિવન ગાંધી જ કાળાકેરને પીતો રહ્યો !
ગુણવંત ઉપાધ્યાય