‘ કાન ! કંઈક કહેવું છે ‘
મારે નદીયુંના બે કાંઠે વહેવું છે ,
કાન ! એકવાર આવ કંઈક કહેવું છે …..!
રોજ રોજ પાંદડાને પૂછું તો પાંદડુંયે બોલે નઈ કાંઈ,
રસ્તામાં ભટકું હું એકલી અટૂલી તોય હું ભાળું નઈ કાંઈ,
જલધારાથી ભીંજાઈ રહેવું છે ….!
કાન ! એકવાર આવ કંઈક….! .
ખોલ બંધ થાતી આ પાંપણની વચ્ચાળે છબી તારા નામની રાખી,
અધકચરી ઈચ્છાઓ તુજને મળવાને આજ એવી તો ઝબકીને જાગી,
રોજ આંખ્યુંમાં જાગરણ જેવું છે..
કાન ! એકવાર આવ કંઈક…..!
તારી જ મુરતને મનમાં રાખીને કાન વિનવું છું વારંવાર,
એકવાર આવે તો સતરંગી ફૂલડાંમાં મઘમઘીએ અપરંપાર ,
મારે છાને ખૂણે કંઇક દેવું છે ….
કાન ! એકવાર આવ કંઈક…..!
હર્ષિદા દીપક