ચાલો પ્રકૃતિ થી કંઈક શીખીએ,
આવકારો હમેશા મીઠો રાખીએ.
નિસ્વાર્થ પ્રકૃતિએ સદૈવ આપવાનું કામ કર્યું છે,
હાથ કોણે લંબાવ્યો, એ ભેદ ક્યારે રાખ્યો છે?
એને ભલે ઘણી ક્રૂરતા સહન કરવી પડી,
પણ પ્રકૃતિએ ફક્ત દેવાની ટેવ રાખી.
સૃષ્ટિ જેવું વિશાળ હૃદય રાખવું સહેલું નથી,
અપેક્ષા વગર ઉદારતા બતાવી આસાન નથી.
ભેદભાવ કર્યા વગર પોતાની કુદરત બધાને વહેંચી ,
રાજા અને રંક વચ્ચે કદી ન લીટી ખેંચી .
પ્રકૃતિ પાસેથી અટલું લીધા પછી જો કાંઇ ન શીખ્યા,
તો આપણે એના આવકારના લાયક નથી બન્યા.
ચાલો, જીવનમાં એક નીતિ, એક નિયમ બનાવીએ,
સૌને આવકાર આપીએ, ને આવકારો મીઠો રાખીએ.
એક સુખ હોય છે લેવાનું તો એક સુખ હોય છે દેવાનું
ખૂબ લીધું, હવે સુખ માંડીએ આપવાનું.
પ્રકૃતિ જેટલી વિશાળતા તો ક્યારે નહીં રાખી શકીએ
મનુષ્ય ક્યાંક ને ક્યાંક તો સ્વાર્થ લઈ આવે.
આખી દુનિયાની ફિકર કરવાની જરૂર નથી,
આપણા આસપાસ ને સ્વર્ગ બનાવીએ સખી.
આશ્વાસન આપતા કોઈના ખભે મૂકીએ હાથ,
તો કોઈનો તકલીફમાં આપીએ એનો સાથ.
તમારી આખોમાં આવકારો છલકાવો જોઈએ,
તમારા સ્મિતમાં તમારું હૃદય દેખાવું જોઈએ.
ચાલો, જીવનમાં એક નીતિ, એક નિયમ બનાવીએ,
સૌને આવકાર આપીએ, ને આવકારો મીઠો રાખીએ.
શમીમ મેર્ચન્ટ