આવી અગાશીમાં તું મલકી ત્યાં વાસીની
થઇ ગઇ સુવાસી ઉતરાણ
થઇ ઉત્સવની જૂદી ઓળખાણ
ન્હોતો પવન એની અકળામણ સાથે સહુ
કરતા’તા કેટલી ફરિયાદ !
કરતા’તા કોઇ વળી પોતાના વીતેલા
જૂના જમાનાને યાદ..
ઓચિંતી ત્યાંજ તું જ્યાં આવી અગાશીએ
ત્યાં પતંગને થઇ ગઇ’તી જાણ
થઇ વાસીની સુવાસી ઉતરાણ
ઉડ્યો પતંગ અને ચગ્યો’તો હું
મેં તો ફિરકીને મેલી દીધી છૂટી
એવામાં અણધારી ઉતરી અગાશીએથી
લાગ્યું મને કે દોરી તૂટી !
આંગળીને બદલે આ આંખોમાં સપનાના
વેઢાં બન્યાં છે લોહીઝાણ
થઇ સુવાસીની વાસી ઉતરાણ
– તુષાર શુક્લ