ઈદ આવી અને સૌ હાથ મિલાવી મળ્યા,
દિલની ઈર્ષા અને ઝઘડાઓ મિટાવી મળ્યા.
દ્રશ્ય આકાશમાં અદ્ભુત મિલનનું પ્રેર્યું,
ચાંદ તારાઓ, મોહબ્બતને નિભાવી મળ્યા.
દર્દ મૂકતું ન હતું જેમનો છેડો કો’ દિ’,
તેઓ પણ આંખના આંસુઓ છુપાવી મળ્યા.
મને જોતાં હતાં ગઈ કાલે જે નફરત સાથે,
આજ તે રાહમાં આંખોને બિછાવી મળ્યા.
કેવી રંગીન પધારી છે મિલનની મોસમ,
મિત્ર તો મિત્ર ! અને દુશ્મનો આવી મળ્યા.
થઈ ગઈ જાણે કે આ દુનિયા કુટુંબી જેવી,
સૌ પરસ્પરના બધા ભેદ ભુલાવી મળ્યા.
દિલના તારોમાં હતી આજ મુબારકબાદી,
જેને મળ્યા અમે સંગીત સુણાવી મળ્યા.
દૂર જેઓ હતા ‘આઝાદ’ ને મજબૂર હતા,
સ્વપ્નમાં ઇદને દિવસે મને આવી મળ્યા.
– કુતુબ ‘આઝાદ’